સ્મરણોનું અજવાળું – વિમલ અગ્રાવત


સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
સાજણ, કેમ કરી સંભાળું !

એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

-વિમલ અગ્રાવત

હું તો ખાલી શકુંતલાની આંગળી – અનિલ જોશી


કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
કાંઇ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!

આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

– અનિલ જોશી

અનુભૂતિ


લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

તમે પૂછશો નહી કે અમને કેમ છે


“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”

સપનામાં તો બધા જીવે છે


સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?

સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!

બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !

વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !

વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!

આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !

હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !

-સર્વદમન

ચાહત તમારી…


આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
ખુશી જ ખુશી હતી પાસે અમારી,
જ્યારે અમને પ્રિત હતી તમારી.
હજારો ગમ નજીક અમારી,
જ્યારથી છૂટી પ્રિત તમારી.
રહેવું હતું સાથે તમારી,
પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.
જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,
ભટકી રહી છે જીવન-મરણમાં
જિંદગી અમારી.
જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
કાફી છે સાથે યાદ તમારી,
યાદ કરતાં આરામથી વહી જાય છે
જિંદગી અમારી.
કહે છે કે રહેશે અમારા દિલમાં
ફક્ત તસવીર તમારી….

ધરમ પ્રજાપતિ

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?


આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?