સ્મરણોનું અજવાળું – વિમલ અગ્રાવત


સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
સાજણ, કેમ કરી સંભાળું !

એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

-વિમલ અગ્રાવત

હું ય લખું બસ જરી ? – વિમલ અગ્રાવત


તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
હું ય લખું બસ જરી ?

લખવાવાળા લખે શબદની કૈંક કરામત લાવે,
હરિ ! મને તો વધી વધીને કક્કો લખતા ફાવે,
જરૂર પડે ત્યાં કાનો-માતર તમે જ લેજો કરી.
હું ય લખું બસ જરી ?

શબદ સરકણાં ફોગટ સઘળા કાગળ મારો સાચો,
અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો,
પરબીડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
હું ય લખું બસ જરી ?

-વિમલ અગ્રાવત