કદી કોઈને એટલું યાદ કર્યા છે તમે…?


કદી કોઈને એટલું યાદ કર્યા છે તમે કે
પેટમાં જાણે જાત ચૂંથાઈ જાય,
અમળાઈ જાય ,
શરીરમાં ડાબી બાજુ છાતીમાં કોઈ નામ
સતત જીવલેણ સબાકા મારે.
મગજ દિશાશુન્ય થઈ ક્યાંક કોઈક વિચાર-ખાઈની
ધાર પર અડધું બહાર લટકતું રહે ,
ક્યારે સંતુલન ખોરવાઈ જાય કહેવાય નહિ..??
રક્ત-પ્રવાહ શીરા-ધમની બધું ય ફાડીને
રૂંવે-રૂંવે ચૂઈ પડે..!!
આંખમાં રમતા રહેતા સપના એવા અંધ કરી જાય કે
એક કસુંબલ નામ સિવાય કઈ જ ના વંચાય,
વિરહમાં આખે-આખી જાતને સળગી જતી અનુભવી છે તમે…???

– સ્નેહા “અક્ષિતારક”

ચાલ નીરવ ગઝલ માણી લઈએ


નામના કાજે તો સૌ કોઈ જીવે છે,
ચાલ નામશેષ થઈ જીવી લઈએ,

દુઃખે પ્રભુ પ્રાર્થના તો સૌ કોઈ કરે,
ચાલ સુખે પ્રભુ થોડાં ભજી લઈએ.

સુંદરતાની ખેવના તો સૌ કોઈ કરે,
ચાલ અરુપતાને આજે વાંછી લઈએ.

અમ્રુત-ઇરછા મંથને સૌ કોઈ કરે,
ચાલ વિષની કડવાશ સહી લઈએ.

શબ્દોથી ગઝલ તો સૌ કોઈ માણે,
ચાલ નીરવ ગઝલ માણી લઈએ.

સ્નેહા…
૨૨-૧૧-૦૮.
http://akshitarak.wordpress.com/