લો કરું કોશિશ ને ફાવે તો કહું – રાજેન્દ્ર શુક્લ


લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું !

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !

કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !

-રાજેન્દ્ર શુક્લ

આ જ ગઝલને વિડિઓ સ્વરૂપે માણો “Gujtube.com” પર  

 

બે ય મળીને એક ઊખાણું ! – રાજેન્દ્ર શુક્લ


ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું !

હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું !

અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું !

શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું !

રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું !

કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું !

અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું !

– રાજેન્દ્ર શુક્લ

પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુક્લ


કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની, લગાવ, લહેરો આ હાવભાવ શું છે ?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે ?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?

ફંગોળી જાઉં શબ્દો ને મૌનને ફગાવું –
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે ?

–  રાજેન્દ્ર શુક્લ

પત્રસંવેદના


દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા, સખી !

આમ તો ખાલી બધું તારા વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !

હર સવારે ફૂલ ખીલે જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !

જાગતી રાતે જગત ઊંઘે તદા –
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !

પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી !

– રાજેન્દ્ર શુક્લ