અક્ષરો પર ચોંટેલી સંવેદના


આકાશમાં તરતા પીંછા પર
પ્રતિપદા ઝિલાય
ને યાદ આવે રણ
કણેકણમાં ઊગી નીકળે છે રણ…
આથમતા સૂર્યમાં
ને માણેકઠારી રાતના ચંદ્રમાં
કશો ફેર ન હોય.
અચાનક ખંડમાં એક ભ્રમર પ્રવેશી
ગુંજન મુકી
બારી બહાર ચાલ્યો જાય
ત્યારે પણ
કણેકણમાં ઊગી નીકળે છે રણ…
દીવાલોનું કંપન
પર્ણોના ઝિંઝિંકારમાં ઝમે છે
રાતદિન
લાલ ધૂળ ઊડે છે ચોમેર
તેમાં દટાય શહેર
ઘર
પથ્થર
શ્રાવણનું મનગમતું ફૂલ
આસોપાલવની ઝૂલ
પથ્થર
હું

-મહેશ બાલાશંકર દવે

બીજું હું કાંઈ ન માગું


આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઈ ન માગું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.

તૂંબડું મારું પડ્યું નકામું
કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઈ મસ્ત હું રાચું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.

– ‘ બાદરાયણ ’

શકય હો તો, કર કદી આવી કમાલ – દિપક બારડોલીકર


શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ

એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ

હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ

ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ

આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ

કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ

ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ

– દિપક બારડોલીકર