સાથે ચાલ તું – રિષભ મહેતા


જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !

હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !

આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !

કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !

– રિષભ મહેતા

કોણ છે જે આંખને નીંદર તો દે, સુવા ન દે – રિષભ મહેતા


કોણ છે જે આંખને નીંદર તો દે, સુવા ન દે,
રોજ સુરજ લઈને આવે ને છતાં ઉષા ન દે.

કમ-સે-કમ લાલાશ તો દઈ દે તું ઢળતા સૂર્યની,
હું નથી કહેતો કે મારે આંગણે સંધ્યા ન દે.

ચાલતા રહેવાની હિંમત આપતા તો હોય છે,
લોક કિન્તુ મંઝિલે પહોંચી જવા રસ્તા ન દે.

એક તરફ આંખ કે જેને જગત નાનું પડે,
એક તરફ આંખનો અહેસાસ જે જોવા ન દે.

એટલું અંતર રહે તદબીર ને તકદીરમાં,
એક પ્યાલો છલછલાવે ને બીજું પીવા ન દે.

દર્દને નિસ્બત ફક્ત અશ્રુથી ક્યાં ‘બેતાબ’ છે ?
કંઈક એવા પણ મળ્યા છે દર્દ જે રોવા ન દે.

– રિષભ મહેતા ‘બેતાબ’

નહીં શકે – રિષભ મહેતા


તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકે

અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે

જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે

મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે

નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકે

ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે

– રિષભ મહેતા

મારે તમને મળવું છે…


ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

રિષભભાઈની રચનાઓ હવેથી અહીં રેગ્યુલરલી માણવા મળશે
http://rishabhmehta.wordpress.com સાભાર…http://urmisaagar.com/saagar/?p=3822

એમ શાને થાય છે…


એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈ,
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ.

ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈ.

રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈ.

હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈ.

એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈ.

એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈ.

મ્હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં –
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈ.

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.

– રિષભ મહેતા
(૧૬-૧૨-૧૯૪૯) જન્મસ્થળ વેડાછા, નવસારી
કાવ્યસંગ્રહ- ‘આશકા’, સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.
કોલેજમાં આચાર્ય…
( કવિપરિચય વિશ્વદીપભાઇના બ્લોગ પરથી સાભાર )