સામે કિનારે – મનહર મોદી


કહે છે, ઉનાળો તો આંસુઓ સારે
ને કારણ પૂછું છું તો કપડાં નિતારે,

તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં
એ હમણાં બતાવું કે કાલે સવારે ?

અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું,
કે પડછાયો મારો છે સામે કિનારે.

ઘણીવાર એમ જ ગગનમાં જઉં છું,
મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે.

હવે ઉંઘ આવે તો દરિયાઓ ઢોળું,
ભલી આંખ મારા જ જેવું વિચારે.

અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે
એ જાણીને જે કોઈ આવે, પધારે.

સમય હોય ડંકા તો ચાલો વગાડો
અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?

મેં તો બસ, અજવાળું ઓઢ્યું – રમેશ શાહ


મેં તો બસ, અજવાળું ઓઢ્યું,
વાદળ ઓઢી છો ને આખું આભ
નિરાંતે પોઢ્યું.

જ્યાં જ્યાં મેં દીઠું એને, બસ,
ચપટી ચપટી ચૂંટ્યું,
થોડું થોડું લઈ અજવાળું
જીવનરસમાં ઘૂંટ્યું ;
પીધું જરી, ને ત્યાં તો કેવું
જીવને મારા ગોઠ્યું !
મેં તો બસ અજવાળું ઓઢ્યું.

પતંગિયાની પાંખે બેસી
આવ્યું મારી પાસે,
પછી પરોવ્યું પાંપણમાં કૈં,
ગૂંથ્યું શ્વાસે શ્વાસે ;
સોનેરી સપનાનું ઝળહળ
આભ જુઓ મેં શોધ્યું !
મેં તો બસ અજવાળું ઓઢ્યું.

– રમેશ શાહ

ગેરસમજણ – શૈલેન રાવલ


ગેરસમજણ સામટી ફેલાવ ના !
દુશ્મનોની જેમ તું બોલાવ ના !

એક તો મનથી બહુ દાઝેલ છું ;
ગત – સમયનું તાપણું સળગાવ ના !

કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ?
વ્યર્થ  તું સંબધ વચ્ચે લાવ ના !

મેં સમજવામાં નથી ગલતી કરી ;
દોસ્તી શું છે મને સમજાવ ના !

કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !

                        –  શૈલેન રાવલ

જો દોસ્ત… – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


જો દોસ્ત તળેટીનું જીવન કેવું ફળે છે
કે સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે

ડર શું છે? નથી ચાલતી હિમ્મત તને માગું
એ પણ છે ખરું જે કંઈ પણ માંગું મળે છે.

મન ક્યાંય જવાનું જ નથી થાતું કદાપિ
ન જાણે કયા ભવનો હજુ થાક કળે છે

ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં
એ તો તું શોધ કોણ છે ભિતર જે ચળે છે.

ઊગ્યો નથી ભલે ને સૂરજ મારો કદી પણ
હર સાંજના લાગ્યું છે સૂરજ મારો ઢળે છે.

પર્યાય એના નામનો પ્રત્યેક નામ છે
પ્રત્યેક રસ્તા જાણે કે એ બાજુ વળે છે

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તારું મધમીઠું મુખ


તારું મધમીઠું મુખ
જાણે સાતપાંચ તારાનું ઝૂમખું
હો આમતેમ ઝૂલે
હો ઝૂલે !

કે ઘર મારું વહેલી પરોઢના પ્હેલા
ઉઘાડ જેવું ખૂલે !

મારું સામટુંય દુ:ખ
વાયુનું પગલું શું આછું
હો આમતેમ ઊડે
હો ઊડે !

કે ગંધના ઘેલા પતંગિયા જેવું
આ મન મને ભૂલે !

                                                                                       – રાવજી પટેલ

ઋતુરાજ આવ્યો…


વસંતના આગમનને વધામણા… આ કાવ્ય સાથે હવે પછી થોડા વસંતગીતો અહીં માણીશું…

રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ તેણ્યે વનમાં જમાવ્યો;
તરૂવરોએ શણગાર કીધો,
જાણે વસંતે શિરપાવ દીધો…

જુનાં જુનાં પત્ર ગયાં ખરીને,
શોભે તરૂ પત્ર નવાં ધરીને;
જાણે નવાં વસ્ત્ર ધર્યા ઉજાળી,
સમીપમાં લગ્નસરા નિહાળી…

આંબે જુઓ મોર અપાર આવ્યો,
જાણે ખજાનો ભરિ મ્હોર લાવ્યો;
જો કોકિલા ગાન રૂડું કરે છે,
વસંતના શું જશ ઉચ્ચરે છે…

બોલે કોકિલ મીઠું એક જ્યારે,
વાદે બીજા એથિ મીઠું ઉચારે,
વિવાદ જાણે કવિયો કરે છે;
વખાણ લેવા સ્પરધા ધરે છે….

ચોપાનિયાં પુસ્તક જો પ્રકાસે
ભલું જ તેથી નૃપરાજ્ય ભાસે
તથા તરૂ શોભિત પુષ્પ ભારે
તો કેમ આંબા નહીં પુષ્પ તારે…

સુશોભિતો થા હરિને પ્રતાપે,
પ્રભુ તને ઉત્તમ પુષ્પ આપે;
સ્તુતી કરી માગ્ય પ્રભૂ સમીપે,
સુપુષ્પથી સુંદર દેહ દીપે….

(ઉપજાતિ વૃત્ત)

– કવિ દલપતરામ (જન્મ ૨૧-૦૮-૧૮૨૦ મૃત્યુ ૨૫-૦૩-૧૮૯૮ )

શોધ…


ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શાહે ગઈકાલે તા. ૩ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ આપણી વચ્ચેથી ચિર વિદાય લીધી. એમની એક રચના જેમાં કવિએ માનવમનની અનંત દોડ અને લક્ષ્ય ન મળવાની વેદનાને વર્ણવી છે…

હજાર હજાર ઊંટની કાંધ સમું વિસ્તરેલું રણ,
શેની શોધમાં નીકળ્યો છું હું ?
પાછળ મૂકેલું મારું છેલ્લું પગલુંય ભૂંસી નાખે છે કોઈક.
અહીં ક્યાંય કેડી નથી,
સીમ નથી,
દિશા નથી,
બાધા નથી ને
ક્યાંય કોઈનું ચિહ્ન નથી.

કંઈક શોધું છું.
શોધું છું કેડી ?
સીમ ? દિશા? બાધા?
કોઈ અવશેષ ?
ખબર નથી મને.
સાવ ખુલ્લામાં જાણે ખોવાઈ ગયો છું.
સામેના વેળુઢગની પેલી પારથી આવે છે લીલું હાસ્ય,
બેની વચ્ચેનું અંતર ઘટતાં
સમયના પ્રલંબ અંતરાયની ઓળખ થાય છે,
ત્યાં છે હાથેક ઊંડો એક વોકળો,
પડખે લીલે પંખ ઊભું છે તમાલ,
નાની નજરમાં બધુંય સમાઈ જાય છે.
એની આ બાજુ ઉઘડેલા મૂળની વચ્ચે જણાય છે શ્વેત રુંડ ;
એને જ હું શોધતો હતો,
લીલાં હાસ્યના ઉગમનું આદિ કારણ.

– રાજેન્દ્ર શાહ

પડછાયો


વાડ કૂદીને તડકો આયો :
હળવે ઝાકળ ઝૂલતા તૃણે સળવળી છલકાયો !
વાડ કૂદીને તડકો આયો.

પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત,
આંખને ખૂણે ખૂણે ઝળક્યું ચાંદની સમું સ્મિત !

મનમાં કેવી ક્ષણ ઊગી ગઈ
ચકલી આખું આભ ચૂગી ગઈ !

જોઉં છું હું તો જોઈ રહું છું એકલો એકલવાયો,
હળવે ઝાકળ ઝૂલતા તૃણે સળવળે પડછાયો !
વાડ કૂદી જ્યાં તડકો આયો !

– યોસેફ મૅકવાન