ગઝલ લખજો – મનહર મોદી


હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.

અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.

ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.

સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જાણો તો મને હસજો.

મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.

– મનહર મોદી

કંઈ વાત કર


એ અજાણ્યા જણ વિશે કંઈ વાત કર,
રેશમી સગપણ વિશે કંઈ વાત કર.

જે વિશેષણની પરે પહોંચી ગઈ,
એક એવી ક્ષણ વિશે કંઈ વાત કર.

આજ લગ જેના વિશે કંઈ ના કહ્યું,
એ જ અંગત વ્રણ વિશે કંઈ વાત કર.

જે થયું એ તો બધુંયે ગૌણ છે,
તું પ્રથમ કારણ વિશે કંઈ વાત કર.

આંખની ભીનાશ મેં જાણી લીધી,
આંખમાંનાં રણ વિશે કંઈ વાત કર.

– જાતુષ જોષી

પડછાયો


વાડ કૂદીને તડકો આયો :
હળવે ઝાકળ ઝૂલતા તૃણે સળવળી છલકાયો !
વાડ કૂદીને તડકો આયો.

પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત,
આંખને ખૂણે ખૂણે ઝળક્યું ચાંદની સમું સ્મિત !

મનમાં કેવી ક્ષણ ઊગી ગઈ
ચકલી આખું આભ ચૂગી ગઈ !

જોઉં છું હું તો જોઈ રહું છું એકલો એકલવાયો,
હળવે ઝાકળ ઝૂલતા તૃણે સળવળે પડછાયો !
વાડ કૂદી જ્યાં તડકો આયો !

– યોસેફ મૅકવાન