માણસ હોવું !!! – હેમંત દેસાઈ


પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.

ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે
મચ્યા રહ્યાનું, લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.

ઈટ્ટાકિટ્ટા કર્યે જવાના, ખર્યે જવાના ખોખો ખેલી,
મોટેરા મનસૂબાથી બળવાન હોવું – માણસ હોવું.

ચરણ રૂકે ત્યાં સ્વાગત ઝીલતા દુનિયામાં ફૂલ્યા કરવાનું,
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – માણસ હોવું.

મહામોલના શિર દઈ દેતા હસતા હસતા ક્ષણમાં તેને
સસ્તા સસ્તા જીવનનું અભિમાન હોવું – માણસ હોવું

સમજણની સિદ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા,
તોય વખત પર નિરાધાર નાદાન હોવું – માણસ હોવું.

ખૂબીખામીના જુદા તોલથી સ્વજન પરાયા જોખ્યા કરવા
ઢળ્યા અહીં કે તહીં બધે વેરાન હોવું – માણસ હોવું.

હારજીતના ભેદ ભુલાવે એવા યુદ્ધે હોમાયા-નું
મળે તેમના જીવ્યાનું સન્માન હોવું – માણસ હોવું

– હેમંત દેસાઈ