જાતની સાથે જ સોબત થઇ ગઇ – ઉર્વીશ વસાવડા


જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

– ઉર્વીશ વસાવડા

માણસ હોવું !!! – હેમંત દેસાઈ


પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.

ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે
મચ્યા રહ્યાનું, લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.

ઈટ્ટાકિટ્ટા કર્યે જવાના, ખર્યે જવાના ખોખો ખેલી,
મોટેરા મનસૂબાથી બળવાન હોવું – માણસ હોવું.

ચરણ રૂકે ત્યાં સ્વાગત ઝીલતા દુનિયામાં ફૂલ્યા કરવાનું,
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – માણસ હોવું.

મહામોલના શિર દઈ દેતા હસતા હસતા ક્ષણમાં તેને
સસ્તા સસ્તા જીવનનું અભિમાન હોવું – માણસ હોવું

સમજણની સિદ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા,
તોય વખત પર નિરાધાર નાદાન હોવું – માણસ હોવું.

ખૂબીખામીના જુદા તોલથી સ્વજન પરાયા જોખ્યા કરવા
ઢળ્યા અહીં કે તહીં બધે વેરાન હોવું – માણસ હોવું.

હારજીતના ભેદ ભુલાવે એવા યુદ્ધે હોમાયા-નું
મળે તેમના જીવ્યાનું સન્માન હોવું – માણસ હોવું

– હેમંત દેસાઈ

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં


એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.0

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.

મુજ પર િસતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

-‘મરીઝ’

હોય સાથે છતાં હું પડી એકલી


હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી

રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,
હિમના એ પહાડો ચઢી એકલી

કંટકો તોડવાની સજા પામીને
આજ ગુલાબ સાથે લડી એકલી

ક્ષારણો લાગવાના હવે સાંધમાં,
સ્નેહના ઝારણે તો અડી એકલી

– સુનીલ શાહ

સાવ જ અજાણ્યો થઈ ગયો છે પ્રેમ


સાવ જ અજાણ્યો થઈ ગયો છે પ્રેમ
કિન્નાખોરી કરી રહેલ
‘મન’થી ત્રાસી ગયો છે પ્રેમ !
પ્રેમને સાચવું કે ‘મન’ને ?
અસ્તિત્વ પ્રેમનું કેવી રીતે રાખવું હેમખેમ ?
પ્રેમ નથી બોલતો કે નથી
કોઈ હાવભાવ દેખાડતો
સ્તબ્ધ અવસ્થામાં નિસ્તેજ થઈ ગયો છે પ્રેમ.
ભાવનાત્મકતા પણ હવે ભ્રમ લાગવા માંડી છે,
લાગણીઓના બોજ તળે દબાઈ ગયો છે પ્રેમ,
શોધું છું..શોધું છું..છતા નથી જડતો
અસ્તિત્વના ખડકમાં ક્યાંક દટાઈ ગયો છે પ્રેમ..

નરેન્દ્ર સોનાર ‘પંખી’

તમે પૂછશો નહી કે અમને કેમ છે


“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”

ચાહત તમારી…


આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
ખુશી જ ખુશી હતી પાસે અમારી,
જ્યારે અમને પ્રિત હતી તમારી.
હજારો ગમ નજીક અમારી,
જ્યારથી છૂટી પ્રિત તમારી.
રહેવું હતું સાથે તમારી,
પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.
જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,
ભટકી રહી છે જીવન-મરણમાં
જિંદગી અમારી.
જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
કાફી છે સાથે યાદ તમારી,
યાદ કરતાં આરામથી વહી જાય છે
જિંદગી અમારી.
કહે છે કે રહેશે અમારા દિલમાં
ફક્ત તસવીર તમારી….

ધરમ પ્રજાપતિ

તું કેમ છે ઉદાસ ???


સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?


આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

પ્રેમ


પ્રેમ ની લગણી ક્યારેય
નથી મારતી પણ
પ્રેમ ની અપેક્ષાઓ
જરૂર મરી નાખે છે.

-સર્વદમન

કે લખું પ્રેમપત્ર પણ સરનામા વગર !


વિચિત્ર રીતે કરું ક્યારેક મજાક ખુદની-
કે લખું પ્રેમપત્ર પણ સરનામા વગર !

જુઠાણાંને સાચાં જે ઠરાવી જાણે –
તેને ચાલે જરૂર કોઇ બહાના વગર !

દુ:ખો દુનિયાનાં ઘણાં દૂર થઇ જાય –
ચાલે માનવને જો કંઇ વિચાર્યા વગર !

કોણે કયારે બનાવ્યું આ જીવન કેવું –
કોણ ક્યારે કરમાય કોઇના વગર !

સ્વાભાવે પરવાનાથી ચડિયાતો વળી –
જલી જાઉં ઘણીવાર કોઇ શમા વગર !

રહ્યો હું ખરે જ જમાનાથી પાછળ
મિથ્યાભિમાને કે ચાલશે જમાના વગર !

મધુ શાહ

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,


દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

-‘આદિલ’