શબ્દનો… – મનોજ ખંડેરિયા


ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો

વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો

ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો

આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો

પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાકડા પર – ડો. કિશોર વાઘેલા


પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાક પર
એ પછીથી નામ નોખાં એ ધરે છે ચાક પર

લ્યો, ફરી ગારો બની, માટી મહીં એ આવશે ત્યાં,
આવરણ આકારનું બદલ્યા કરે છે ચાક પર

આ ઘડાના ભીતરી અવકાશમાં હું હોઉ છું બસ,
છૂટતાં કાયા, પવન થઈ શું ફરે છે ચાક પર

મોક્ષ જેવી કયાં કદી ઘટના ઘટે આ રાફડામાં,
આપણી જિજીવિષા ફરતી રહે છે ચાક પર

આ અરીસે કોળતી શ્રુંગારની સંભાવનામાં,
પૂછજે આતમ, તને તન શું કહે છે ચાક પર

ડો. કિશોર વાઘેલા

‘વાર નથી લાગતી’…………


મુંઝાય છે શું મનમા, સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમા, એ વાત આજે સાચી નથી લાગતી.

કોને ખબર છે, કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છું જ્યારે, સુર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.

કોણે કહ્યુ જામમાં છે ગમ, ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી, વાદળાને વરસાદ બનતા વાર નથી લાગતી.

ક્ષણની તો આ વાત છે, ગ્રહણને દુર થતા વાર નથી લાગતી.
પખવાડીયું જ વચ્ચે, બાકી અમાસને પૂનમ થતા વાર નથી લાગતી.

કોણ કહેશે આ દિલને, પ્રેમ થઈ જતા વાર નથી લાગતી.
વિંધાઈ ગયુ છે હવે ‘લક્ષ્ય’, આરપાર થતા વાર નથી લાગતી.

– આતિષ પટેલ ‘લક્ષ્ય’