જોયા કરવું – દક્ષા બી. સંઘવી


જળ-માટી, આકાશ- પવન-અગ્નિને ભળતાં અર્ધું-પર્ધું જોયા કરવું !
પંચમહાભૂત હરતાં-ફરતાં રૂપ બદલતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !

કાચી-પાકી ડાળ વિચારે, અગન તિખારે પ્રગટી જઈને પૂરણ થાવું,
પૂરણ ધ્યાને અર્ધું બળતાં – અર્ધું ઠરતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !

હોય અખંડે ખંડિત સૂરજ ઝાકળના કણ કણ માંહે ક્ષણ ક્ષણ વેરાતો,
જેમ તૂટેલા દર્પણમાં બીંબો તરફડતા, અર્ધું-પર્ધું જોયા કરવું !

જીર્ણ – જળેલું, ફસકીને ફાટેલું વસ્તર, ક્યાં લગ ટાંકા ટેભા કરવા ?
આ સાંધ્યું, આ ચરડ ચરડ ચિરાડા પડતા, અર્ધું-પર્ધું જોયા કરવું !

ભીનેરા દિવસોના કીડા પાન કતરતાં, તીણાં નહોરો ખચ ખચ ખૂંપે,
લીલી ડાળો, થડ – વૃક્ષોના મૂળ થથરતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !

–  દક્ષા બી. સંઘવી

પરિચિત છું – ગુલામ અબ્બાસ ‘નાશાદ’


પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.

તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.

ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

આ રચના ને અહી “રણકાર” પર માણો

શક્યતાની ચાલચલગત


શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.

– ચિનુ મોદી

આજે તાળી આપો રાજ


તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

સાત સમંદર પાર અમારા ડુંગર સાત ખોવાયા
સાત ક્ષણોની વચ્ચે વચ્ચે સાત કિનારા આવ્યા

વરસ્યા નહી સુકાયા નહીં
તરસ્યા નહીં અમે તો કહીં
તમે તમારા કાનને મીંચો
હું મીંચું અવાજ

તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

તડકો મહેંક્યો અડધી રાતે અડધી વાતો મ્હેંકી
પગલાં તો શેવાળ થયાં આ પગલી કોની બહેકી ?

અટકી નહીં કે ભટકી નહીં
ઉઝરડા અહીં આ કોના કહીં
તમે તમારું ધુમ્મસ મીંચો
હું મીંચું વરસાદ

તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

– દિવા (પાંડેય) ભટ્ટ

બંધ આંખે હેતુ વાંચો છો તમે


બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.

– ચીનુ મોદી

ખૂબ અંદરબહાર જીવ્યો છું


ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું

-‘ઘાયલ’

તમે પૂછશો નહી કે અમને કેમ છે


“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”

ચાહત તમારી…


આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
ખુશી જ ખુશી હતી પાસે અમારી,
જ્યારે અમને પ્રિત હતી તમારી.
હજારો ગમ નજીક અમારી,
જ્યારથી છૂટી પ્રિત તમારી.
રહેવું હતું સાથે તમારી,
પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.
જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,
ભટકી રહી છે જીવન-મરણમાં
જિંદગી અમારી.
જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
કાફી છે સાથે યાદ તમારી,
યાદ કરતાં આરામથી વહી જાય છે
જિંદગી અમારી.
કહે છે કે રહેશે અમારા દિલમાં
ફક્ત તસવીર તમારી….

ધરમ પ્રજાપતિ

મને એવી રીતે કઝા યાદ આવી,


મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

-’મરીઝ’

વાસ્તવિક્તામાં હું મારું સ્થાન શોધી રહ્યો છું


વાસ્તવિક્તામાં હું મારું સ્થાન શોધી રહ્યો છું,
રહ્યો છું હું સદા સપનાઓના દરબારમાં.
હકિકતનો પડદો આજે ઉતારી જોયો,
જાણ્યું મેં આજે કે ખરેખર તો હકિકતનો સામનો કરી રહ્યો છું.
તરસ્યા આ દિલ સામે કોઈની તૃપ્તીની આશા ના રહી,
ઝાંઝવાઓ ના નીરથી પરેશાન રહ્યો છું.
ખોટા અને દંભી દિલાસાઓથી બચી ના શક્યો,
સાચી દાસ્તાનથી હું ખુદ મારો બચાવ કરી રહ્યો છું.
કર્યા તો છે મેં ઘણા કાર્યો પણ છૂપાવવાની આદતથી છૂપાવી શક્યો,
મિત્રોની મહેફિલમાં હું જૂઠ્ઠુ કથન કરી રહ્યો છું.
જિંદગી નિકળી છે પ્રેમને છૂપાવવામાં અને વફા કરવામાં,
પણ કોઈના દિલમાં આરામગાહ શોધીના શક્યો.
લાગે છે હવે સમય વિતિ ચૂક્યો છે,
હવે હું ચીતાના ખોળે મારું સ્થાન શોધી રહ્યો છું…

નિલ બુધ્ધભટ્ટી

જો દરેક સમયે સંબંધમાં


જો દરેક સમયે સંબંધમાં
ચોખવટ કરવી પડતી હોય તો
સમજવું કે આપણા સંબંધમાં
કઇ ને કઇ ખોટ રહી ગઇ છે.

-સર્વદમન

તું કેમ છે ઉદાસ ???


સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?


આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

સંબંધ….


સંબંધ એ રસ્તો,
જેમાં કોઇ સ્પીડ-બ્રેકર નથી.

સંબંધ એ સીધી લીટી,
જેમાં ક્યાંય કટ નથી.

સંબંધ એ નદી,
જે અવીર્ત ચાલ્યાં કરે.

સંબંધ એ સાગર,
ઊંડા અને વિશાળ.

સંબંધ એ આકાશ,
જેનો કોઇ અંત નથી.

સંબંધ એ સુર્ય,
જે દેખાંતો ભગવાન.

સંબંધ એ માં સમાન,
જેના પ્રેમ સામે કોઇ નહી.

સંબંધ એ કવિતા,
જે કવિ નું હદય.

-સર્વદમન

મન થઇ જાય છે – ભરત વિંઝુડા


ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વદળાઓને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા
વ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થઇ જાય છે.

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

– ભરત વિંઝુડા

નવા બે શેર સાથે આ રચના રણકાર.કોમ પર માણો….

જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઈએ પ્રાસમાં,
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !

એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !