પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી


પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

શક્યતાની ચાલચલગત


શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.

– ચિનુ મોદી