ઝાકળની પિછોડી – બાલમુકુન્દ દવે


જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો
શ્વાસને સેજારે જાશે ઊડી.

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં –
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મોરલાને પાછા રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યો ને જોડી.

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરા જી !
ચૂની ચૂની લેજો એને તોડી !

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

એવું રે પોઢો મનવા ! એવું રે ઓઢો મનવા !
થીર કે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા ! એવા જી ઊંઘવા કે –
કોઈ નો શકે સુરતા તોડી,

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

-બાલમુકુન્દ દવે

જલદીપ


એક દીપ તણાયો જાય,
       જલમાં દીપ તણાયો જાય ;
કમળ સમો ઘૂમે વમળોમાં, 
                  વાયુમાં વીંઝાય:
       જલમાં દીપ તણાયો જાય.

અંધારાના અંચલ ભેદી
                  પંથ પાડતો જાય ,
તરંગની ચંચલ અસવારી
                  કરી તેજ મલકાય :
       જલમાં દીપ તણાયો જાય.

ઘડીક નમણી જ્યોતિ નાજુક
                  સંપુટમાં જ સમાય,
ઘડીક ભવ્ય ભૂગોલ ખગોળે
                 દીપશિખા લહેરાય :
       જલમાં દીપ તણાયો જાય.

વાટ વણી ના ના પેટાવ્યો,
                 પોતે પરગટ થાય ;
નહીં મેશ કે નહીં મોગરો
                  કેવલ તેજલ કાય :
       જલમાં દીપ તણાયો જાય.       

 

– બાલમુકુન્દ દવે