સમજી જા – ચિનુ મોદી


અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા
મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.

નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જા
દરિયા જેવો દરિયો લાગે આ બીધેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.

પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા
મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા.

બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા
જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા

–  ચિનુ મોદી

રહ્યાં વર્ષો તેમાં


આજે કવિશ્રી ઉમાશંકર જોષીની જ્ન્મજયંતિ … ૨૧ જુલાઈ ૧૯૧૧ના રોજ ગુજરાતના ઈડર તાલુકાના બામણા ગામે જન્મ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક અનોખી ઉંચાઈ ધરાવતું નામ….!

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે ; વીલે મુખ ફર રખે, સાત ડગનું

કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઇ જ ‘નિરમી’ દુષ્ટ દુનિયા.

અહો નાનારંગી અજબ દુનિયા ! શેં સમજવી ?
તમે ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી ;

અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.-

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;

નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે ;
જનોત્કર્ષે – હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.

બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઇ આવ્યો અવનિનું .

– ઉમાશંકર જોશી