લખે છે – મનીષ પરમાર


કોઈ ઈચ્છાની સતત મોસમ લખે છે,
એમ મારા શ્વાસમાં ફોરમ લખે છે.

પથ્થરોમાં કોતરાતી યાદ તારી –
દોસ્ત તારો સાદ, લીલુંછમ લખે છે.

આ હવામાં સ્પર્શ તારો સળવળે છે,
ટેરવાં, કાગળ સમું રેશમ લખે છે.

પત્ર તારો આવશે એવી દિશાથી –
રાત આખી કોણ આ શબનમ લખે છે ?

આંસુના ચળકાટમાં જીવી રહ્યો છું,
કોણ આ અમને દુ:ખો કાયમ લખે છે ?

– મનિષ પરમાર

ના પૂછ તું – વંચિત કુકમાવાલા


આ ચરણથી રેતના સગપણ વિષે ના પૂછ તું,
શ્વાસમાં તરતા અફાટી રણ વિષે ના પૂછ તું.

રોજ છાતી પર છલાંગો મારતા છૂંદે મને,
એ અભાવોના નીકળતા, ધણ વિષે ના પૂછ તું.

સાવ સીધા માર્ગ પર, ડગલુંય મંડાતું નથી,
ભીતરી અવઢવ અને અડચણ વિષે ના પૂછ તું.

જળ અને જળની છટાઓ લે, ગણાવું હું તને ,
પ્યાસની મારી સફળ સમજણ વિષે ના પૂછ તું.

મેં મને ધાર્યો હતો એવો ન નીકળ્યો ક્યાંય પણ,
જાત આખી જોઈ એ દર્પણ, વિષે ના પૂછ તું.

જે મળે એને હયાતીનો પૂછે છે અર્થ એ,
દોસ્ત ‘વંચિત’માં ઉછરતા જણ વિષે ના પૂછ તું.

– વંચિત કુકમાવાલા

લંબચોરસ ઓરડામાં


લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

– નયન દેસાઈ