કોક સવારે – હરિકૃષ્ણ પાઠક


કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ;
મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું.

કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો,
ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો.
ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું,
ખરી પડ્યું ઓચિંતું મારે હતું ખૂબ એ ખપનું;
ભાળ ન પામે કોઈ ભીતરે ભર્યું કેટલું રૂંગું…
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

– હરિકૃષ્ણ પાઠક

ઊપડતી જીભ અટકે છે…


ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

– હેમંત પૂણેકર

(સાભાર – http://hemkavyo.wordpress.com/2008/09/20/upadati_jibh_atke_chhe/)